
સબકા સપના મની મની: પહેલી સેલેરી મળતા જ આ ચાર જગ્યાએ કરો રોકાણ, તમારુ જીવન આરામદાયી બની જશે
- GujaratOthers
- November 1, 2023
- No Comment
- 9

પહેલી સેલેરી હાથમાં આવે તે પળ દરેક વ્યક્તિ માટે ભાવુક હોય છે. પોતાની પ્રથમ કમાણી હાથમાં આવવાનો ઉત્સાહ કઇક અલગ જ હોય છે.આ ખુશીની ઉજવણી લોકો ઘણી વાર પોતાના પરિવારજનોને ભેટ આપીને પણ કરતા હોય છે. તો ઘણા લોકો આ રુપિયા પાર્ટી કરીને ઉડાવી દે છે. જો કે અમે તમને આ સેલેરીથી રોકાણ કરવાની સલાહ આપીશુ. જેનાથી તમે તમારુ જીવન વધુ આરામદાયી બનાવી શકશો.
રોકાણ કરવા માટે બચત કરવી ખૂબ જ જરુરી છે. નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિએ તેના પ્રથમ પગારમાંથી 20 થી 30 ટકા બચત કરવી જોઈએ. આ બચાવેલી રકમ અલગ-અલગ જગ્યાએ રોકાણ કરવી જોઈએ. રોકાણ તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. જો કે નવા રોકાણકાર તરીકે રોકાણ ક્યાંથી શરૂ કરવું તે સમજવું મુશ્કેલ છે. રોકાણ ક્યાં કરી શકાય તેના વિશે અમે તમને માહિતી આપીશુ.
SIP શરૂ કરો
તમે તમારા પ્રથમ પગારમાંથી જ બચત કરવાનું શરુ કરીને અલગ-અલગ જગ્યાએ રોકાણ કરી શકો. આ રોકાણ માટે પ્રથમ વિકલ્પ SIPનો બનાવી શકાય છે. SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આજે રોકાણનું વધુ સારું માધ્યમ માનવામાં આવે છે. SIPથી તમે લાંબા ગાળે સારી એવી રકમ એકઠી કરી શકો છો. આ સિવાય તમે 500 રૂપિયાથી SIPમાં રોકાણ કરવાનું પણ શરૂ કરી શકો છો અને સમય સાથે તેને વધારી શકો છો.
ઈમરજન્સી ફંડ બનાવવાનું શરૂ કરી શકો
લોકો ઘણીવાર ઇમરજન્સી ફંડને મહત્વ આપતા નથી. જો કે કોરોના મહામારીએ આપણને શીખવ્યું છે કે કટોકટીની પરિસ્થિતિ ક્યારે ઊભી થશે તે ક્યારેય જાણતું નથી. નોકરી ગુમાવવી, ધંધો અટકી જવો અથવા પરિવારમાં કોઈ મોટી મુશ્કેલી જેવી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં ઈમરજન્સી ફંડ ખૂબ જ ઉપયોગી છે. જો તમારી પાસે ઈમરજન્સી ફંડ છે તો તમારે ન તો તમારી કોઈ પોલિસી તોડવાની જરૂર પડશે અને ન તો તમારે કોઈની પાસેથી પૈસા માગવાની જરૂર પડશે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોઈપણ વ્યક્તિએ તેના છ મહિનાના પગાર જેટલી રકમ ઈમરજન્સી ફંડ તરીકે રાખવી જોઈએ. આ ભંડોળ તમારા રોકાણ અથવા બચતનો ભાગ ન હોવો જોઈએ. આ ફંડને એવી જગ્યાએ રાખવુ જોઇએ કે જ્યાંથી તે સરળતાથી મળી રહે. તમે સેલેરીમાંથી કેટલીક રકમની FD પણ કરી શકો છો અને તેને બેંકમાં જમા પણ કરી શકો છો.
હેલ્થ ઇન્સ્યોરન્સ
હેલ્થ ઇન્સ્યોરન્સ પણ યુવાનો માટે રોકાણનો પ્રથમ વિકલ્પ હોવો જોઈએ. મોટાભાગના યુવા રોકાણકારો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવુ એ તેમની જવાબદારી માનતા નથી.જો કે હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સ્વાસ્થ્ય મામલે કટોકટી ક્યારે આવશે તે કોઈને ખબર હોતી નથી. આ સિવાય જો તમારા માતા-પિતા ઊંમરવાળા છે, તો તેમને આ ઉમરે ગમે ત્યારે હોસ્પિટલ જવું પડી શકે છે. જો તમે આ પરિસ્થિતિઓ માટે તમારી જાતને તૈયાર નહીં કરો, તો તમારે ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.
તેથી જ તમને પ્રથમ પગાર સાથે તો હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે. તમે તેને માસિક પ્રીમિયમ સાથે સરળતાથી ચૂકવી શકો છો. વીમામાં વહેલું રોકાણ કરવાનો એક ફાયદો એ છે કે તમે ઓછા પ્રીમિયમ પર સારું કવર મેળવી શકો છો.
આ પણ વાંચો-સબકા સપના મની મની: દર મહિને કરો આટલું રોકાણ, 15 વર્ષ બાદ તમને મળશે 1 કરોડ રૂપિયા, જાણો વિગતવાર
ગેરેન્ટેડ રિટર્ન સ્કીમ્સમાં રોકાણ કરવું
SIP સિવાય તમારે એવી સ્કીમમાં પણ રોકાણ કરવું જોઈએ કે જ્યાં તમને ગેરંટીકૃત વળતર મળે. તમે RD, PPF અથવા કોઈપણ પોસ્ટ ઓફિસ સ્કીમ પસંદ કરીને પૈસાનું રોકાણ કરી શકો છો.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)