
વર્લ્ડ કપમાં ફ્લોપ શો બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ, ઈન્ઝમામ ઉલ હકે ચીફ સિલેક્ટર પદ પરથી રાજીનામું આપ્યુ
- GujaratOthers
- October 30, 2023
- No Comment
- 14

વર્લ્ડ કપ-2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનની અસર દેખાવા લાગી છે. ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ વર્લ્ડ કપમાં બાબર આઝમની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમે 6 મેચ રમી છે અને માત્ર 2 મેચ જીતી છે. છેલ્લી 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની ટીમ મંગળવારે બાંગ્લાદેશ સાથે મેચ છે. જો તે આ મેચ હારી જશે તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, ઈન્ઝમામે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન માટે રાજીનામું નથી આપ્યુ. હિતોના સંઘર્ષને કારણે તેમણે આ પદ છોડયુ છે. સોશિયલ મીડિયા પર જ આ હિતોના સંઘર્ષનો મામલો સામે આવ્યો હતો. આ મામલે ઈન્ઝમામ ભડક્યા પણ હતા. તેમણે જણાવ્યુ હતુ કે મેં નક્કી કર્યું કે હું રાજીનામું આપું તો સારું રહેશે. ઈન્ઝમામે કહ્યું કે જો પીસીબી મારી તપાસ કરવા ઈચ્છે તો હું ઉપલબ્ધ છું. લોકો મારા વિશે કોઈ પુરાવા વગર વાત કરે છે, જો કોઈ સાબિતી હોય તો લાવો. મેં પીસીબીને પણ આવું કરવા કહ્યું છે.
તેણે કહ્યું કે ખેલાડી એજન્ટ કંપની સાથે મારો કોઈ સંબંધ નથી, હું આવા આરોપોથી દુખી છું. તેણે વધુમાં કહ્યું કે, એકવાર સ્થિતિ સામાન્ય થઈ જશે તો હું PCB અધિકારીઓ સાથે બેસીશ. મને ફોન પર કહેવામાં આવ્યું હતું કે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, તેથી મેં બોર્ડને કહ્યું કે તપાસ ચાલી રહી છે ત્યારે હું રાજીનામું આપું તો સારું રહેશે. જ્યારે બધું સામાન્ય થઈ જશે ત્યારે હું PCB સાથે બેસીશ.
Inzamam ul Haq resigns as chairman of PCB’s senior selection committee pic.twitter.com/ifYAti9YUj
— Press Trust of India (@PTI_News) October 30, 2023
એશિયા કપ દરમિયાન રાજીનામું આપવાની ધમકી આપી હતી
તમને જણાવી દઈએ કે ઈન્ઝમામ-ઉલ-હકે એશિયા કપ 2023ની મધ્યમાં મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપવાની ધમકી આપી હતી. તે સમયે તેનો પીસીબી સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તે પાકિસ્તાની ખેલાડીઓને વિદેશી T20 ફ્રેન્ચાઇઝી લીગમાં ભાગ લેવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનો સંપૂર્ણ અધિકાર ઇચ્છતો હતો. તેમની વિનંતી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા નકારી કાઢવામાં આવી હતી અને તેથી મહાન બેટ્સમેને તેમના પદ પરથી રાજીનામું આપવાની ધમકી આપી હતી.
ઈન્ઝમામની ધમકી બાદ, પીસીબી પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હક અથવા નદીમ ખાનને નવા મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવાનું પણ વિચારી રહ્યું હતું. જો કે, બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી થઈ હતી અને રાજીનામું મોકૂફ રાખવામાં આવ્યું હતું. ઈન્ઝમામને 7 ઓગસ્ટ, 2023ના રોજ મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટને PKR 20 લાખના પગાર સાથે લાંબા સમય સુધી કરારની માંગ કરી હતી અને જો તેમની માંગ પૂરી ન થાય તો રાજીનામું આપવાની ધમકી આપી હતી.
પીસીબીએ તેમની માંગણીઓ પૂરી કરી અને 31 ઓગસ્ટના રોજ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર તરીકે ઈન્ઝમામ-ઉલ-હકનો આ બીજો કાર્યકાળ છે. આ પહેલા તેઓ 2016 થી 2019 સુધી આ પદ પર હતા.
આ પણ વાંચો : પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના ખાનગી મેસેજ ટીવી ચેનલ પર લીક થતા વિવાદ