
બનાસકાંઠા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં નમાવ્યુ શીષ, માના પાદુકાની કરી પૂજા
- GujaratOthers
- October 30, 2023
- No Comment
- 18

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે યાત્રાધામ અંબાજીમાં પહોંચીને મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં પહોંચીને મા અંબેના દર્શન કર્યા છે. વડાપ્રધાન અંબાજીમાં અનેક વિકાસ કામોની ભેટ આપવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ સીધા જ ચીખલા હેલિપેડ પહોંચ્યા હતા અને ત્યાંથી અંબાજી આવવા રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોન્વોય જ્યારે હેલિપેડથી અંબાજી મંદિર આવવા નીકળ્યો ત્યારે માર્ગમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી આવવાના હોવાની જાણ થતા લોકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. લોકોએ વડાપ્રધાન મોદી પર પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કર્યુ હતુ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ.
વડાપ્રધાનની અંબાજી મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે રહ્યા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં વડાપ્રધાનનું સ્વાગત આદિવાસી નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવ્યુ હતુ. અહીં પણ વડાપ્રધાન શ્રદ્ધાળુઓના અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઇને મા અંબેના દર્શન કર્યા હતા. તેમજ પૂજા અને આરતી કરી હતી. ભટ્ટજી મહારાજ દ્વારા વડાપ્રધાનને માના પાદુકાની પૂજા પણ કરાવવામાં આવી હતી. વડાપ્રધાને માના આશીર્વાદ લઇને પોતાના ગુજરાત પ્રવાસની શરુઆત કરી.
વડાપ્રધાન આજે ઉત્તર ગુજરાતના પ્રવાસે આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. વડાપ્રધાન આજે કરોડો રુપિયાના વિકાસ કામોની લોકોને ભેટ આપવાના છે. તેઓ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તારંગા-અંબાજી- આબુરોડ રેલવે લાઇન વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સાથે જ અંબાજીના આસપાસના વિસ્તારોનો પણ વિકાસ થવાનો છે. પાલનપુરમાં મોટો સુએજ પ્લાન્ટ છે તેનું પણ લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે.
વડાપ્રધાન અંબાજીમાં દર્શન કર્યા બાદ ખેરાલુ જવા રવાના થયા હતા. ખેરાલુમાં તેઓ વિશાળ જનસભાને સંભોધન કરવાના છે. અહીં તેઓ લોકોને કરોડો રુપિયાની વિકાસ ભેટ આપવાના છે.