
ડાંગ : સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું, રેલી કાઢી ધરણાં કરાયા
- GujaratOthers
- November 3, 2023
- No Comment
- 14

ડાંગ: કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ સામે રેલી કાઢી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ વાંસદાનાં ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલ અને તેમની સાથે માજી સાંસદ કિશનભાઇ પટેલ સમર્થકો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આહવા પેટ્રોલ પંપ થી આદિવાસીઓની જનમેદ સાથે રેલી કાઢી આહવા સીવીલ હોસ્પિટલ ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ડાંગ જિલ્લો ખુબ મોટી આદિવાસી વસ્તી ધરાવે છે.ડાંગ જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલ આહવામાં આવેલી છે. આ હોસ્પિટલનો લાભ ડાંગ જિલ્લાના 351 ગામના આદિવાસી સમાજના લોકો તથા અન્ય સમાજના જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાની સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે.
સરકાર સ્વ-નિર્ભર મેડિકલ કોલેજ મંજુર કરી સ્થાપિત કરવા જઇ રહી છે. કોંગ્રેસની માંગ છે કે મેડિકલ જેવા અત્યંત મહત્વના પ્રોજેક્ટનું સ્વ-નિર્ભર સંચાલન માટે આપવામાં આવે તે યોગ્ય નથી અને સિવિલ હોસ્પિટલ સરકારી સંચાલન હેઠળ રહે તે જરૂરી છે.સરકાર તરફથીજ ખુટતી સવલતો ઉપલબ્ધ કરી હાલના સંજોગોમાં સંપૂર્ણ પણે સરકારે જ સંચાલન કરવુ જરૂરી હોવાની માંગ ઉઠી છે.
ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના લોકોના આરોગ્યની દરકાર સમાન આહવા સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સરકારના નિર્ણય સામે આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં રેલી યોજી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિરોધ પ્રદર્શનમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગુલાબ ગાંગુડે, મહિલા પ્રમુખ લતાબેન ભોયે, મહામંત્રી મુકેશ પટેલ, ગીતા પટેલ,સ્નેહલ ઠાકરે, વનરાજ રાઉત, તબરેઝ અહેમદ બબલુ સહિતના કોંગ્રેસના હોદેદાર જોડાયા હતા.
આ પણ વાંચો : સુરત : આશ્રમશાળામાં શિક્ષકે માસુમ બાળકીઓને અશ્લીલ વિડિઓ બતાવી શારીરિક અડપલાં કર્યા, પોલીસે જેલ ભેગો કર્યો
કોંગી આગેવાનોએ કહ્યું હતું કે નજીકના સમયમાં સરકાર દ્વારા નિર્ણય પરત લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ મામલો આગામી સમયમાં વિવાદિત બને તેમ લાગી રહ્યું છે.