
ઈડન ગાર્ડન્સમાં ઈતિહાસ રચશે વિરાટ કોહલી, સદી ફટકારી જન્મદિવસને ખાસ બનાવશે !
- GujaratOthers
- November 5, 2023
- No Comment
- 11

વિરાટ કોહલી વર્તમાન સમયમાં વિશ્વભરમાં ક્રિકેટનો ચેહરો છે. તેની લોકપ્રિયતા અને રેકોડર્સ આ વાતનું સાક્ષી છે. હાલ વિરાટ ODI વર્લ્ડ કપ રમી રહ્યો છે અને શાનદાર ફોર્મમાં છે. તે 49મી ODI સદીથી એક ડગલું દૂર છે, જેની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. આ સદી સાથે કોહલી સચિનની બરાબરી કરશે.
5 નવેમ્બરે ઈડન ગાર્ડન્સમાં મુકાબલો
એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે કોહલી ઇડન ગાર્ડન્સમાં એ કારનામું કરશે જેણે તેને ટીમ ઈન્ડિયામાં વાપસી કરાવી હતી. આ માટે કોહલી પાસે 5મી નવેમ્બર એટલે કે આજના દિવસ કરતા વધુ સારો દિવસ બીજો કોઈ હોય શકે નહીં. કારણ કે આજે તેનો 35મો જન્મદિવસ પણ છે.
સદી ફટકારી જન્મદિવસને ખાસ બનાવશે વિરાટ !
ભારતે ODI વર્લ્ડ કપમાં તેની આગામી મેચ આજે એટલે કે 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે આ મેદાન પર રમવાની છે. ખાસ વાત એ છે કે આજે ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો જન્મ દિવસ પણ છે. કોહલી ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સામે સચિનની બરાબરી કરવાના ઈરાદા સાથે પ્રવેશ કરશે. કોહલીનો જન્મદિવસ 5મી નવેમ્બરે છે અને તે પોતાના જન્મદિવસ પર સદી ફટકારીને તેને ખાસ બનાવવા માંગશે.
ઈડન ગાર્ડન્સમાં કોહલીની કિસ્મત ચમકી
કોહલીએ ભારત માટે પોતાની પ્રથમ વનડે મેચ શ્રીલંકા સામે દાંબુલામાં રમી હતી. કોહલીએ આ મેચ 18 ઓગસ્ટ 2008ના રોજ રમી હતી. પરંતુ પાંચ મેચ બાદ કોહલીને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ કોહલીએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં એક ઇનિંગ રમી જેણે તેને ફરીથી પસંદગીકારોની નજરમાં લાવ્યો અને તેનો આત્મવિશ્વાસ વધાર્યો.
ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી
કોહલીએ 2009માં પી સેન ટ્રોફીમાં મોહન બાગાન ક્રિકેટ ટીમ માટે તે મેચ રમી હતી. કોહલી તે સમયે 20 વર્ષનો હતો અને આ મેચમાં તેણે ટાઉન ક્લબ સામે 121 બોલમાં 184 રનની ઇનિંગ રમી હતી. કોહલી સપ્ટેમ્બર 2009માં ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો અને પછી કોલકાતાના એ જ મેદાન પર તેણે પોતાની ODI આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી.
ઈડન ગાર્ડન્સમાં સદીઓની સફરની શરૂઆત
કોહલીએ આ સદી 24 ડિસેમ્બર 2009ના રોજ શ્રીલંકા સામે ફટકારી હતી. આ મેચમાં કોહલીએ 114 બોલમાં 107 રનની ઈનિંગ રમી. અહીંથી કોહલીએ પાછળ વળીને જોયું નથી. કોલકાતાથી સદીની સફર શરૂ કરનાર કોહલી આજે ત્યાં જ પોતાના આદર્શની બરાબરી કરવાની ખૂબ નજીક છે. હવે જોવાનું એ રહેશે કે કોહલીના જીવનમાં આ મેદાન ફરી એકવાર ઐતિહાસિક સાબિત થાય છે કે નહીં.
આ પણ વાંચો : ભારતીય ફૂટબોલનો સોનેરી દિવસ ! જર્મનીના ભૂતપૂર્વ ગોલકીપર ઓલિવર કાહન આવશે ભારત