
અમને બહાર કાઢો, અંદર હાલત બહુ ખરાબ છે, 10 દિવસથી ટનલમાં ફસાયેલા કામદારો પહેલીવાર વોકી ટોકી પર બોલ્યા
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 8

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા નવી બંધાઈ રહેલ ટનલમાં થયેલા ભૂસ્ખલનને કારણે ફસાયેલા મજૂરોને બચાવવા માટે સતત રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. અધિકારીઓએ નાના પાઇપ દ્વારા કામદારો સાથે વાત કરી છે. ટનલમાં ફસાયેલા મજૂરોએ અધિકારીઓને જલદીથી તેમને બહાર કાઢવાની આજીજી કરી છે. ટનલમાં ફસાયેલા 41 મજૂરોમાંથી 8 કામદારો ઉત્તર પ્રદેશના છે. તેમનો સંપર્ક કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ઉત્તરાખંડ આવેલા અરુણ કુમારે સોમવારે ટનલની મુલાકાત લીધી હતી. તેમણે સુરંગમાં ફસાયેલા યુપીના મજૂરો સાથે વાત કરી હતી. આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું. જે કામદારોના પરિવારજનોને મોકલવામાં આવ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ખાસ ઉત્તરાખંડ મોકલવામાં આવેલા અરુણ કુમારે કામદારો સાથે વાત કરતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ખાતરી આપી હતી. તેમણે ટનલમાં ફસાયેલા શ્રમિકોને કહ્યું કે ચિંતા ન કરો, આખો દેશ તમારા માટે પ્રાર્થના દુઆ કરી રહ્યો છે. તમને બહાર કાઢવા માટે બચાવ કાર્ય સતત ચાલુ છે. ટૂંક સમયમાં આપણે સૌ સાથે ઘરે જઈશું.
‘અમને ખાવાનું મળી રહ્યું છે, પણ અંદર હાલત ખરાબ છે’
અરુણ કુમાર સાથે વાત કરતા યુપીના મજૂર અખિલેશ કુમારે કહ્યું કે અમને ટનલમાં ખોરાક તો મળી રહ્યું છે, પરંતુ અંદર અમારા બધાની હાલત બહુ ખરાબ છે. અખિલેશે જલદીથી બહાર કાઢવાની અધિકારીઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે બને તેટલી વહેલી તકે તેમને બહાર કાઢો, ટનલની અંદર અમારી સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે.
ઓડિયો રેકોર્ડિંગ તેના પરિવાર સાથે શેર કર્યું
યુપી સરકારના પ્રતિનિધિ અરુણ કુમારે જણાવ્યું હતું કે સુરંગમાં ફસાયેલા મજૂરોની પીડા દૂર કરવા અને તેમના પરિવાર વિશે ખાતરી આપવાના હેતુથી વાત કરવામાં આવી હતી અને કામદારોની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ તેમના પરિવારજનો સાથે શેર કરવામાં આવ્યું છે. ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલના નિર્માણ દરમિયાન 12 નવેમ્બરની સવારે ભૂસ્ખલન થયું હતું. જેના કાટમાળને કારણે ટનલમાં 41 મજૂરો ફસાયા ગયા છે. તેમને બહાર કાઢવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ આ બચાવ અને રાહત કામગીરીમાં કોઈને કોઈ અડચણ આવી રહી છે. આ ઘટનાને 10 દિવસ વીતી ગયા છે પરંતુ શ્રમિકોને બહાર કાઢવામાં કોઈ સફળતા હજુ સુધી મળી નથી.